-
2011ની બેચના IAS ઓફિસરના ઘરે CBIના દરોડા
-
જમીનની ફાઈલો ક્લીયર અને હથિયાર લાયસન્સ ઇસ્યુ મામલે ચાલી રહી છે તપાસ
-
હાલ તે સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે કામ કરી રહ્યા છે
સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકે કામ કરી ચૂકેલા આઈએએસ અધિકારી કે. રાજેશના નિવાસસ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યા છે. ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર ઉપરાંત આંધ્રપ્રદેશ સ્થિત વતનના નિવાસસ્થાને એકસામટા દરોડા પાડવામાં આવ્યા છે. જમીનની ફાઈલો ક્લીયર કરવામાં તથા હથિયાર લાયસન્સ ઇસ્યુ કરવામાં જંગી ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તે સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે કામ કરી રહ્યા છે.
CBIના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે, તપાસ એજન્સીના દિલ્હી યુનિટ દ્વારા અધિકારી વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં કલેક્ટર તરીકેની નિયુક્તિ દરમિયાન આ અધિકારીનો કાર્યકાળ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો. સૌરાષ્ટ્રમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમની સામે ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી હતી.આ સાથે ગૃહ વિભાગ હેઠળ આવતા ACB દ્વારા તેમની વિરૂદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જેથી તેમની ગૃહ વિભાગમાંથી પણ બદલી કરવામાં આવી હતી.
એડિશનલ ચીફ સેક્રેટરી રેન્કના નિવૃત્ત અધિકારી દ્વારા તેમની સામે પહેલેથી જ ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે.આંધ્રપ્રદેશમાં અધિકારીના વતનમાં પણ સીબીઆઈની ટીમોને મોકલવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, ‘અમને જાણવા મળ્યું છે કે કેટલાક સામાન્ય નાગરિકો પણ ભ્રષ્ટાચારના કૃત્યોમાં સામેલ હતા. અમે સૌરાષ્ટ્રમાં IAS અધિકારીના કાર્યકાળ દરમિયાન થયેલા જમીનોના સોદાઓની વિગતો તપાસીશું.’ સર્ચ ઓપરેશન અને તેના ખુલાસા અંગે CBI તરફથી આજે સત્તાવાર નિવેદન આવે તેવી શક્યતા છે.