Mukhya Samachar
Fitness

તમાલપત્ર બન્યું આરોગ્ય માટે કમાલપત્ર: જાણો  શું છે તેના ફાયદા

Tamarind Became Aloe Vera For Health: Know What Are Its Benefits

રસોઈની સુગંધ અને સ્વાદ વધારવાની સાથે એના અઢળક સ્વાસ્થ્યર્ધક ફાયદાઓ પણ છે. તાજેતરમાં થયેલા એક વૈજ્ઞાનિક સંશોધન અનુસાર ડે ટુ ડે લાઇફમાં તમાલપત્રનો ઉપયોગ કરવાથી વજન ઝડપથી ઘટાડી શકાય છે. ફાઇબર અને ઍન્ટિઑક્સિડન્ટ્સનો સમૃદ્ધ સ્રોત ધરાવતા તમાલપત્રના સેવનથી પાચનતંત્ર સુધરે છે. પાચનતંત્ર સુધારવાની સાથે કબજિયાત, ગૅસ, પેટનું ફૂલવું, ભૂખ ન લાગવી, ક્રૅમ્પ્સ વગેરે જોખમોને ઘટાડવામાં તેમજ શરીરમાં પોષક તત્ત્વોને જાળવી રાખવામાં તમાલપત્ર સહાયકની ભૂમિકા ભજવે છે તેથી વેઇટ લૉસમાં એનું સેવન કરવું જોઈએ.

કૅલિફૉર્નિયા લીફ, ઇન્ડિયન તેજપત્તા, ઇન્ડોનેશિયન, મેક્સિકન, ટર્કિશ લીફ વગેરે તમાલપત્રનાં જુદાં-જુદાં નામો છે. આ છોડના ઘણા પ્રકારો છે. કેટલાક છોડનાં પાન તમાલપત્ર જેવો દેખાવ અને સુગંધ ધરાવે છે, પરંતુ પોષક તત્ત્વો અને ગુણધર્મો સમાન નથી હોતા. પ્રાચીન રોમનકાળથી રસોઈમાં અને ઔષધિ તરીકે વપરાતાં રિયલ બે લીફના છોડનું વૈજ્ઞાનિક નામ લૌરસ નોબિલિસ છે.

પાનની રાસાયણિક સંરચનામાં નીલગિરિ તેલ, ટેરપિનાઇલ એસિટેટ, ટેર્પેન્સ, સેસ્ક્વીટરપેન્સ, મિથાઇલ યુજેનોલ, લિનાલોલ, ટેર્પિનોલ અને લૌરિક ઍસિડ સહિત અનેક આવશ્યક તેલ મળી આવે છે એવી જાણકારી આપતાં ક્લિનિકલ ડાયટિશ્યન ઍન્ડ ડાયાબિટીઝ એજ્યુકેટર કિલ્પા કચેરિયા કહે છે, ‘આ સુગંધિત મસાલાના છોડમાંથી શારીરિક સુખાકારી માટે જરૂરી મહત્ત્વપૂર્ણ રાસાયણિક સંયોજનો, ખનિજો અને વિટામિન્સની સમૃદ્ધ શ્રેણી મળી આવે છે.

 

Tamarind Became Aloe Vera For Health: Know What Are Its Benefits

તાજાં પાંદડાં વિટામિન સીનો ભંડાર છે. આ એક શક્તિશાળી ઍન્ટિઑક્સિડન્ટ છે જે શરીરમાંથી હાનિકારક તત્ત્વોને દૂર કરી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. એમાં રહેલું બી કૉમ્પ્લેક્સ વિટામિન એન્ઝાઇમ સિન્થેસાઇસ, નર્વસ સિસ્ટમના કાર્ય અને ચયાપચયને સુધારવામાં મદદ કરે છે. તમાલપત્રમાં મળી આવતાં કૉપર, પોટેશિયમ, મૅન્ગેનીઝ, આયર્ન, જસત અને સેલેનિયમ જેવાં ખનિજો બ્લડ-પ્રેશર, હાર્ટ રેટ અને એન્ઝાઇમ પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરવા સક્ષમ છે.’

તમાલપત્રમાંથી બનાવેલી કૅપ્સ્યુલ ખાવાથી ટાઇપ ટૂ ડાયાબિટીઝ ધરાવતા દરદીમાં બ્લડ શુગરનું સ્તર ઘટી શકે છે એમ જણાવતાં કિલ્પા કહે છે, ‘કેટલાંક વૈજ્ઞાનિક સંશોધનો સૂચવે છે કે ઇન્સ્યુલિન રીસેપ્ટર ફંક્શન અને રક્તમાં શર્કરાની માત્રાને નિયંત્રિત કરવામાં તમાલપત્ર ઉપયોગી છે. ડાયાબિટીઝનું જોખમ ધરાવતા લોકો આ પાનના પાઉડરનું નિયમિત સેવન કરે તો ડાયાબિટીઝની શક્યતાને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. આ છોડનાં પાન ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ પર હકારાત્મક અસર કરે છે. પેટની અસ્વસ્થતા અને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રૉમ (IBS) ને શાંત કરે છે. એનો ઉપયોગ મૂત્રવર્ધક પદાર્થ તરીકે પણ થાય છે. શ્વસન અને અપચાની સમસ્યાઓના ઇલાજ માટે તમાલપત્રનાં પાનની ચા અથવા રોજિંદી ચામાં મિક્સ કરી પીવું જોઈએ.’

Tamarind Became Aloe Vera For Health: Know What Are Its Benefits

તમાલપત્રના છોડ પર થયેલાં અન્ય સંશોધનો વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘બાયોલૉજિકલ અને ફાર્માસ્યુટિકલ બુલેટિનમાં પ્રકાશિત આર્ટિકલ મુજબ તમાલપત્રમાં ઍન્ટિબૅક્ટેરિયલ ગુણ છે. પાનમાંથી તેલ કાઢીને છાતી પર લગાવવાથી શ્વાસને લગતી બીમારીમાં રાહત જણાય છે. પાનને ગરમ કરી પોટિસ બનાવી આખી રાત છાતી પર મૂકી રાખો. એની વરાળને ધીમે-ધીમે શ્વાસમાં લેવાથી અરોમાથેરપી જેવી અસર થાય છે અને એ કફને ઢીલો કરી શ્વસન માર્ગમાં ફસાયેલા બૅક્ટેરિયાને દૂર કરે છે. ઍન્ટિબૅક્ટેરિયલ એજન્ટના ગુણધર્મને કારણે તમાલપત્ર એચ. પાયલોરી નામના બૅક્ટેરિયા સામે લડે છે, જે અલ્સરનું કારણ બને છે.’

તમાલપત્રમાં ઍન્ટિબૅક્ટેરિયલ ઉપરાંત ઍન્ટિઇન્ફ્લમૅટરી ગુણધર્મ પણ છે એમ જણાવતાં કિલ્પા કહે છે, ‘એમાં ત્વચાની બળતરાને શાંત કરવાની ક્ષમતા છે. ફાયટોથેરપી રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ દ્વારા એની પુષ્ટિ પણ થઈ છે. પાનમાં પાર્થેનોલાઇડ નામનું એક ફાયટોન્યુટ્રિઅન્ટ હોય છે, જે સાંધાના દુખાવા અથવા સંધિવાથી અસરગ્રસ્ત વિસ્તારો પર લેપની જેમ લગાવવામાં આવે તો બળતરા ઓછી થાય છે. સંધિવાના દરદીઓએ રોજિંદી રસોઈમાં તમાલપત્રનો વપરાશ વધારવો જોઈએ. પાનને આપણે ચાવીને ખાતા નથી તેથી એને પીસીને પાઉડરના ફૉર્મમાં વાનગીઓ ઉપર ભભરાવીને ખાઈ શકાય.’

વજન ઘટાડવામાં તમાલપત્રના રોલ વિશે રિસર્ચ થયાં છે પણ પુષ્ટિકરણ થયું નથી. જોકે એમાં મળી આવતાં વિવિધ ખનીજો અને ગુણધર્મના કારણે વજનને નિયંત્રિત રાખવામાં સહાયક બની શકે છે એવો મત વ્યક્ત કરતાં કિલ્પા કહે છે, ‘વજનને તમારી ડાઇજેસ્ટિવ સિસ્ટમ સાથે સીધો સંબંધ છે. તમાલપત્રના સેવનથી પાચનતંત્ર સુધરે છે તેથી વજનને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી છે એવું માની શકાય. ફાઇબર અને ઍન્ટિઑક્સિડન્ટનો રિચ સોર્સ હોવાથી પણ વેઇટ લૉસમાં હેલ્પ કરે છે. જોકે એની માત્રા કેટલી હોવી જોઈએ એ વ્યક્તિની લાઇફસ્ટાઇલ, ખાણીપીણીની રીતો, વજન કેટલું ઘડાટવું છે, બીજી કોઈ સમસ્યા છે કે નહીં જેવાં પરિબળોને ધ્યાનમાં લઈને નક્કી થાય.’

Tamarind Became Aloe Vera For Health: Know What Are Its Benefits

રસોઈમાં અનેક પ્રકારના ગરમ મસાલાનો ઉપયોગ થાય છે જેમાં તમાલપત્ર પણ મુખ્ય છે. અને ગુજરાતી, નૉર્થ ઇન્ડિયન અને દક્ષિણ ભારતીય વાનગીઓમાં એનો સૌથી વધુ વપરાશ છે એમ જણાવતાં વિલે પાર્લેસ્થિત હોમી શેફ’સ કિચનનાં કુકિંગ એક્સપર્ટ સ્વાતિ અંબાણી કહે છે, ‘ગુજરાતીઓ પુલાવ અને કઢીમાં તમાલપત્રનો વઘાર કરે છે. બિરયાનીમાં પણ વપરાય છે. હોમમેડ ગરમ મસાલા બનાવવામાં તમાલપત્ર ખાસ ઉમેરવાં. સબ્જીની ગ્રેવી માટે બનાવવામાં આવતા ફ્રેશ મસાલામાં તમાલપત્ર ઉમેરવામાં આવે છે. છોલેના ચણાને કુકરમાં બાફતી વખતે તમાલપત્ર મિક્સ કરીને બનાવેલા ફ્રેશ મસાલાને ઍડ કરવાથી સુગંધ, સ્વાદ અને વાનગીનો રંગ બદલાઈ જાય છે. આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે સાઉથ ઇન્ડિયન જેવાં સાંભાર, રસમ

અને કર્ડ રાઇસ બનતાં નથી. આપણા દેશમાં સૌથી સારી ક્વૉલિટીનાં તમાલપત્ર સાઉથમાં મળે છે. દિક્ષણ ભારતીય વાનગીઓમાં તમાલપત્ર સીક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે જે મોટા ભાગના લોકો રેસિપી શૅર કરતી વખતે જણાવતાં નથી. કર્ડ રાઇસમાં ઉપરથી તમાલપત્રના પાઉડર છાંટવામાં આવે છે. સાંભારમાં મીઠા લીમડાની સાથે તેઓ આ પાન પણ ઍડ કરે છે. વાસ્તવમાં તમાલપત્રનો ટેસ્ટ ફ્રેશ મસાલામાં વધુ આવે છે. રસોઈને સુગંધિત બનાવવા ડ્રાય પાન વાપરવાં. ઘણી મહિલાઓ પાનને અવનમાં ગરમ કરીને મૂકી દે છે. એનાથી ટેક્સચર ચેન્જ થઈ જાય છે. તમાલપત્રના પાનને તડકામાં સૂકવીને સંઘરી રાખવાથી એનો ઓરિજિનલ કલર અને ફ્લેવર જળવાઈ રહે છે. લીલાં પાન પૂજા-પાઠ અને હવનની સામગ્રીમાં વપરાય છે. સ્વાદ, સોડમની સાથે તમાલપત્રના આરોગ્યવર્ધક અને આધ્યાત્મિક ફાયદાઓ પણ છે. રસોડામાં વપરાતા મસાલા ઘરગથ્થુ ઉપચાર તરીકે વાપરી શકાય. જોકે અતિરેક ન થવો જોઈએ. ઉપરોક્ત રિસર્ચ વિશે વધુ જાણકારી નથી, પરંતુ કુકિંગ એક્સપર્ટ તરીકે મારી સલાહ છે કે તમાલપત્રના પાઉડરનું સેવન એક ટેબલસ્પૂનથી વધુ ન કરવું જોઈએ.’

 

 

Related posts

શરીરમાં લોહી વધારવાની સાથે અનેક સમસ્યાઓમાં દાડમનું સેવન ફાયદાકારક છે, જાણો ફાયદા

Mukhya Samachar

ફિટનેસની શોધમાં પરાઠા ન છોડો, ફક્ત આ સ્વસ્થ આદતો અપનાવો

Mukhya Samachar

Dehydration : જો શરીરમાં પાણીની ઉણપ હોય તો ચહેરા પર દેખાશે આ 4 લક્ષણો, જાણો આ રીતે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy