-
મહલાઓની જવેલરીમાનો એક છે માથામાં લાગતો ટીકો
-
ટીકો મહિલાઓનું ખુબસુરતીમાં લગાવે છે ચારચાંદ
-
મોઢાના આકાર પ્રમાણે પસંદ કરવો જોઈએ ટીકો
આપણા દેશમાં વાર-તહેવારે મહિલાઓ વિવિધ શણગાર સજીને બધા કરતા વધારે સુંદર દેખાવાનો પ્રયાસ કરે છે. શણગારમાં આવતા દરેક આભૂષણનું એક આગવુ આકર્ષણ છે. આજે અહીં આપને ‘ટીકા’ વિશે જણાવી રહ્યા છે. માથામાં લગાવેલો ટીકો તમને એક અલગ જ લુક આપે છે. ‘ટીકા’નો સમાવેશ ટ્રેડિશનલ જ્વેલરીની કેટેગરીમાં કરવામાં આવે છે. જે સાડી, ચણિયાચોલી, સલવાર-સૂટ દરેક ડ્રેસ સાથે બંધ બેસે છે. ટીકો તમારા આખા લુકને એટ્રેક્ટિવ બનાવે છે. ‘સોને પે સુહાગા’ ત્યારે થાય છે, જ્યારે તમે ટીકો તમારા ચહેરાના શેપ મુજબ પહેર્યો હોય. તો ચાલો જોઈએ, કયા પ્રકારનો ટીકો તમારા લુક સાથે બંધ બેસે છે.
હાર્ટ શેપ :
ઉપરથી પહોળો અને નીચેથી થોડો સાંકળો એટલે કે હાર્ટ શેપનો ફેસ. આવો ચહેરો ધરાવતા લોકોને માથા પર સાજ-શણગાર કરવાની પૂરી સ્પેસ મળી રહે છે. પરંતુ તેની સાથે ગળાની જ્વેલરીનું પણ ખાસ ધ્યાન રાખવુ પડે છે. એટલા માટે પાતળી ચેઈનવાળી પટ્ટીની સાથે નાનો ટીકો કેરી કરો. આવા ચહેરા માટે તમે મોટા આકારનો ટીકો પણ પસંદ કરી શકો છો. બહારની કિનારી પર બારીક મોતીની લળવાળો ટીકો ખૂબ જ સુંદર લાગે છે. અર્ધચંદ્ર આકારનો, ઉપસેલી ફ્લોરલ ડિઝાઈનનો ટીકો પણ આવા ફેસ પર ખૂબ જ સુંદર લાગે છે.
ઓવલ શેપ:
જે ફેસને આકારની દ્રષ્ટિએ પરફેક્ટ માનવામાં આવે છે, તે ઓવલ શેપ ફેસ. આ જ કારણોસર આવા ફેસ પર દરેક પ્રકારના ટીકા પહેરી શકાય છે. તમે ઈચ્છો તો આખો ગોળ કે અર્ધચંદ્રાકાર ટીકો પણ પહેરી શકો છો. પરંતુ થોડુ ધ્યાન રાખજો, કે ટીકો તમારા આખા ચહેરાને ઢાંકી ન દે. જો માંગપટ્ટી વાળો ટીકો પહેરો છો, તો ધ્યાન રાખજો કે ટીકાની પટ્ટી થોડી ઉપરની બાજુ રહે. જેથી આખા ચહેરાના આકારને જસ્ટિસ મળી શકે.
રાઉન્ડ:
ગોળ ચહેરા સાથે એવી જ્વેલરી મેચ કરવી પડે છે જેનાથી તમારો ચહેરો વધુ ભરેલો ન લાગે. એટલા માટે ટીકાની પસંદગી કરતા પહેલા એ વાતની ખાતરી કરી લો, કે ક્યાંક ટીકાથી તમારો ચહેરો તો નથી ઢંકાઈ જતો ને? પ્રયત્ન કરો કે, પાતળી પટ્ટીવાળા નાના આકારના ટીકાની પસંદગી કરો. માથાને હેવી લુક ન આપવો હોય તો સાઈડ ટીકાની પસંદગી કરી શકો છો. આવો ટીકો એક અલગ જ લૂક આપશે. રાજસ્થાની ટીકો ગોળ આકારના ચહેરા સાથે ખૂબ જ સરસ લાગે છે.
સ્ક્વેર:
ચોકોર ફેસ એટલે જે ચહેરો ઉપરથી લઈને નીચે સુધી એકસરખુ ફેલાયેલુ હોય. એટલે કે માથાથી લઈને દાઢી સુધી ચહેરાની પહોળાઈ લગભગ એકસરખી હોય. આ ચહેરાનો આકાર મોટો હોય છે. એટલા માટે તમે ફ્રંટ માંગટીકાની સાથે સાથે સાઈડ ટીકાને પણ કેરી કરી શકો છો. મુગલ સ્ટાઈલમાં પહેરવામાં આવે છે, બિલકુલ તેવો. આવા ચહેરા પર થોડો નાજુક ટીકો પણ ખૂબસુરત લાગે છે.