રાજકોટ બ્રહ્મ સમાજના અગ્રણી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. બ્રહ્મ સમાજના અગ્રણી હર્ષિત જાની પર છરી વડે હુમલો કરાયો છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ તેમની પર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે ઇજાગ્રસ્ત હર્ષિત જાનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નોંધનીય છે કે, હર્ષિત જાની ગૃહમંત્રીના નજીકના વ્યક્તિ છે.
બ્રહ્મ સમાજના યુવા અગ્રણી હર્ષિત જાની પર છરી વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. તેમની પર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઇમરજન્સી વોર્ડ નજીક છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજકોટના નાણાવટી ચોક નજીક લાખના બંગલા પાસે વાહન અથડાવા બાબતે બોલાચાલી થઇ હતી.
જે બાદ તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં પાછળથી ઇકો કારમાં સિવિલ કેમ્પ્સમાં ઘસી આવી હતી. જેમાં આવેલા શખ્સે હર્ષિત જાની પર છરી વડે હુમલો કર્યો હતો. આરોપીએ હર્ષિત જાનીને ત્રણ જેટલા છરીના ઘા માર્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત હર્ષિત જાનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જ્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો હોસ્પિટલ દોડી ગયો છે અને તપાસ આરંભી છે. નોંધનીય છે કે, અગાઉ થોડા સમય પૂર્વે હર્ષિત જાની પર ફાયરિંગ થયા હોવાની ઘટના પણ સામે આવી હતી. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી અને રામભાઇ મોકરિયા સહિતના નેતાઓએ આરોપીઓને કડક સજા કરવા પોલીસને ભલામણ કરી હતી.