તીવ્ર હરીફાઈ વચ્ચે પણ યુવા વર્ગમાં સરકારી નોકરીનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુવા વર્ગ સરકારી નોકરી મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. હાલ સરકારી નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારોની સંખ્યામાં પ્રચંડ વધારો થયો છે. નાની એવી જગ્યા માટેની પરીક્ષા પાસ કરવા માટે પણ વિદ્યાર્થીઓને તનતોડ મહેનત કરવી પડે છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જનરલ નોલેજના પણ પ્રશ્નો પૂછાય છે.
જેને ધ્યાનમાં રાખીને સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટના અભ્યાસક્રમોમાં સ્કિલ ડેવલોપમેન્ટ અને જનરલ નોલેજનો વિષય ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નોકરીની બાબતોને ધ્યાને રાખીને બે નવા વિષયો ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અંડર ગ્રેજ્યુએટના અભ્યાસક્રમોમાં સ્કીલ ડેવલોપમેન્ટ સાથે જનરલ નોલેજનો વિષય દાખલ કરાશે, આ કોર્સની બે ક્રેડિટ ગણવામાં આવશે. જનરલ નોલેજનો વિષય વિદ્યાર્થીઓ માટે મરજિયાત રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ NCC, NSS અને સર્ટિફિકેટ કોર્સની જગ્યા પર આ કોર્સ પસંદ કરી શકશે. આ માટે યુનિવર્સિટી દ્વારા IPS અને IAS સેન્ટરના તજજ્ઞોને જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, ગતરોજ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના સિન્ડિકેટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
VNSGU દ્વારા કુલપતિની ખર્ચ કરવાની સત્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો હતો. રજીસ્ટર ફેકલ્ટીડીન અને મુખ્ય હિસાબી અધિકારીના ખર્ચની પણ મર્યાદા નક્કી કરાઇ હતી. તદુપરાંત નાયબ કુલ સચિવ, આચાર્ય અને કોર્ડીનેટર સહિતના ખર્ચની મર્યાદા પણ નક્કી કરવામાં આવી હતી. નર્મદ યુનિવર્સિટીમાં કલાક આધારિત કર્મચારીઓની ભરતી કરીને કરોડોનો ધુમાડો કર્યા બાદ હવે નાણાંનો વેડફાટ ન થાય એ માટે સિન્ડિકેટે કુલપતિ સહિતના અધિકારીઓના ખર્ચની મર્યાદા નક્કી કરી દીધી હતી.