દેશ અને રાજ્યમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થઈ રહ્યો છે, તેમાય મોટા શહેરોમાં વધતુ જતું પ્રદુષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. સામાન્ય દિવસોમાં વાહનોના ધૂમાડાના કારણે વાયુ પ્રદુષણનું સ્તર વધે છે પરતું તહેવારોની સિઝનમાં આ પ્રદૂષણની માત્રા વધી જતી હોય છે તેમાય તે દિવાળી જેવા તહેવારોમાં તો ખાસ, દિવાળીમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ફટાકડા ફોડવાની મજા લેતા હોય છે, પરતું તેને ખ્યાલ સુદ્ધા પણ નથી આવતો કે આ ફડાકડામાં રહેલા ઝેરી તત્વો હવામા ભળે છે, ઝેરી વાયુ, ઝેરી ધૂમાડો, કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારી દે છે તેના કારણે વાયુ પ્રદુષણનું જોખમ વધી જાય છે.
દેશની રાજધાની દિલ્હી બાદ અમદાવાદની હવા પણ બની પ્રદૂષિત, અમદાવાદ શહેરનો ઓવરઓલ AQI 162 નોંધાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે, શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર બોપલ છે. બોપલમાં છેલ્લા 15 દિવસથી AQI 300ને પાર નોંધાઈ રહ્યો છે. પીરાણા અને આસપાસના વિસ્તારમાં AQI 260 નોંધાયો છે. આપને જણાવી દઈએ કે, AQIના જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. જેમાં 200થી 300 વચ્ચેનો AQI ખરાબ ગણાય છે. 300થી 400 વચ્ચેનો AQI અત્યંત ખરાબ ગણાય છે. આ જોતાં અમદાવાદની હવા પણ હવે ઝેરી બનતી રહી છે. આ વાત સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. આમ દિલ્હી બાદ હવે અમદાવાદનું વધતું જતું પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઇ છે.
અમદાવાદમાં આવેલા પીરાણા અને બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. બોપલ અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. સતત બીજા દિવસે પણ બોપલનો AQI 307 નોંધાયો છે. જ્યારે પીરાણા અને આસપાસના વિસ્તારમાં AQI 260 નોંધાયો છે. આ એર ક્વોલિટી ઇન્ડેક્સ બતાવી રહ્યો છે કે શહેરોમાં પ્રદૂષણની માત્રા વધી છે. જેના કારણે બાળકોમાં, વૃદ્ધોમાં, અસ્થમાના રોગોનું પ્રમાણ વધે છે. તેમજ સ્વચ્છ હવા ન મળવાને કારણે સ્વાસ્થ્ય પણ જોખમાય છે.