National News: કર્ણાટકના મેંગલુરુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કડાબા વિસ્તારમાં એક યુવકે 17 વર્ષની સગીર યુવતી પર એસિડ ફેંક્યું છે. પીડિતા શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આ ઘટના આજે સવારે બની હતી જ્યારે તે પરીક્ષા આપવા તેના સેન્ટર પર જઈ રહી હતી.
શું છે સમગ્ર મામલો?
જ્યારે યુવતી પરીક્ષા આપવા સેન્ટર પર પહોંચી ત્યારે ત્યાં પહેલાથી જ ઉભેલા 23 વર્ષના અબીને તેના પર એસિડ ફેંક્યું. ઘટનાની માહિતી મળતા જ ત્યાં હાજર લોકોએ હુમલાખોરને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપી અબીનની ધરપકડ કરી લીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર અબીન કેરળનો રહેવાસી છે અને તેણે MBAનો અભ્યાસ કર્યો છે. તે પીડિતાને ઓળખે છે. આરોપી અને પીડિતા બંને કેરળના એક જ સ્થળના રહેવાસી છે. હાલમાં પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.