વરસતા વરસાદમાં દાળવડાની લાગી છે ભૂખ?
તો ફટાફટ જાણી લો તેની રીત
સોફ્ટ અને ટેસ્ટી દાળવડા બનાવવાની આ છે રીત
હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમાં પણ ગુજરાતીઓને જો ગરમાગરમ દાળવડાં અને તળેલા લીલા મરચાં મળી જાય તો મઝા પડી જાય. તો આજે આપણે જોઇએ બહારનાં જેવા સ્વાદિષ્ટ દાળવડા ઘરે જ કઇ રીતે બનાવી શકાય છે. સોફ્ટ અને ટેસ્ટી દાળવડા બનાવવાની રેસિપી ફાટાફટ જોઇ લો. સામગ્રીમાં 1 કપ મગની દાળ છોળા સાથે કે વગર (તમે અડધો કપ મગની દાળ અને અડધો કપ અડદની દાળ પણ લઈ શકો), 1 કે 2 લીલા મરચા, અડધા ઈંચ જેટલુ આદુ ઝીણુ સમારેલુ. ચપટી હીંગ, 1 મોટી ચમચી મરી, 1 મોટી ચમચી સુંકા ધાણા, જરૂર પ્રમાણે પાણી, સ્વાદાનુસાર મીઢું, તળવા માટે તેલની આપણને જરૂર પડશે.
મગની દાળના વડા બનાવવા માટે ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક દાળ પલાળી રાખવી પડે છે. પરંતુ જો તમે અડદની દાળ પણ નાંખતો હોવ તો આ સમય વધુ થાય છે. આથી અડદની દાળ હોય તો પાંચથી છ કલાક કે આખી રાત દાળ પલાળી રાખવી. દાળ પલળી જાય પછી ગ્રાઈન્ડરમાં નાંખીને દાળને વાટી નાંખો. તેમાં સમારેલા મરચા, આદુ, હીંગ નાંખી મિક્સ કરો. વધુ પાણી ઉમેરી ફરી તેને મુલાયમ પેસ્ટ બને ત્યાં સુધી ગ્રાઈન્ડ કરો. જરૂર પડે તો વધારે પાણી ઉમેરો.
આ બાદ તમે ધાણા અને મરીને સીધા ખીરામાં ઉમેરવાને બદલે અધકચરા ક્રશ કરીને અથવા તો ખલમાં વાટીને નાંખો. આમ કરવાથી ફ્લેવર વધુ સારી આવશે. ત્યાર પછી ખીરામાં મીઠુ ઉમેરી થોડી મિનિટ સુધી ખીરુ બરાબર હલાવો. જેટલું વધારે ખીરું હલાવશો તેટલા દાળવડાં પોચાં બનશે.
દાળવડા તળવા માટે એક કડાઈ કે પેનમાં તેલ લઈને ગરમ કરો. જે બાદ ચમચી કે હાથની મદદથી ગરમ તેલમાં ખીરું વડા બને તેમ નાંખતા જાવ. તે સહેજ ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તળો. દાળવડા સોનેરી રંગના થાય એટલે તેને કાઢી લો. ગરમાગરમ દાળવડા લીલી ચટણી, આમલીની ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. આ સાથે ગરમાગરમ તળેલા લીલા મરચાં પણ સહેજ નમક નાંખીને સર્વ કરો.