ટેસ્લાના ફાઉન્ડરે 44 બિલિયન ડોલરમાં ખરીદી
દરેક શેર માટે 54 ડોલરમાં થઈ કેશ ડીલ
મસ્કે ટ્વિટરના દરેક શેર માટે 54.20 ડોલર ચૂકવવાના રહેશે ટેસ્લા CEO એલન

મસ્ક ટ્વિટરના નવા માલિક બની ગયા છે. મસ્કે ટ્વિટરને ખરીદવા માટે 44 બિલિયન ડોલર એટલે કે 3368 અબજ રૂપિયાની ડીલ કરી છે. આ હિસાબે મસ્કે ટ્વિટરના દરેક શેર માટે 54.20 ડોલર (4148 રૂપિયા) ચૂકવવાના રહેશે. ટ્વિટરના ઈન્ડિપેન્ડન્ટ બોર્ડના ચેરમેન બ્રેટ ટેલરે રાતે 12. 24 વાગ્યે એક પ્રેસ રિલીઝમાં મસ્ક સાથે થયેલી ડીલ વિશે જાણકારી આપી. જોકે આ ડીલ જાહેર થાય એ અગાઉ જ મસ્કે ટ્વીટ કરીને માઈક્રો બ્લોગિંગ સાઈટને ખરીદવાનો સંકેત આપી દીધો હતો. મસ્કે લખ્યું હતું-આશા છે કે મારા સૌથી આકરા ટીકાકારો ટ્વિટર પર રહેશે. આ જ ફ્રી સ્પીચનો ખરો અર્થ છે.

ગત દિવસોમાં ટ્વિટર બોર્ડે મસ્કની તરફથી કંપનીના ટેકઓવરને રોકવા માટે ‘પોઈઝન પિલ સ્ટ્રેટેજી’ અપનાવી હતી. જોકે બોર્ડ મેમ્બર્સ આ ડીલ પર વાતચીત માટે તૈયાર થઈ જવાથી એ નિશ્ચિત થયું હતું કે મસ્કે આ Poison Pillનો તોડ શોધી લીધો છે. મસ્ક પાસે અગાઉથી જ ટ્વિટરના 9.2% શેર હતા. સમાચાર એવા પણ છે કે મસ્કે જ્યારે શુક્રવારે કંપનીના અનેક શેરહોલ્ડર્સ સાથે અંગત રીતે મીટિંગ કરી હતી, એના પછી જ ટ્વિટરના વલણમાં બદલાવ આવ્યો.

મસ્ક હંમેશાં કહેતા આવ્યા છે કે તેઓ ફ્રીડમ ઓફ સ્પીચના પક્ષકાર છે. ટ્વિટરને ખરીદવાની મહેચ્છા પાછળ પણ તેમણે આ જ કારણ દર્શાવ્યું હતું કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્રીડમ ઓફ સ્પીચ જોખમમાં છે અને તેઓ સુનિશ્ચિત કરવા માગે છે કે એ જળવાઈ રહે. જોકે ફ્રી-સ્પીચ એક્સપર્ટ્સના અનુસાર મસ્કનું આ નિવેદન તેમના આચરણથી બિલકુલ અલગ છે. તેઓ લાંબા સમયથી પોતાના ટીકાકારોને ધમકાવતા આવ્યા છે.


