રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે શુક્રવારે રેલમંત્રી ચરોતરનગરી આણંદની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મધ્ય ગુજરાતના લોકોને મોટી ભેટ આપી છે. આણંદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસિત કરવા માટેની મંજૂરી આપી છે. દેશમાં 199 રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે માસ્ટર પ્લાન ચાલી રહ્યો છે. આ અંતર્ગત અમદાવાદ બાદ હવે આણંદ રેલવે સ્ટેશનને પણ વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે.
આણંદ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોડૅ દ્વારા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની વિશેષ ઉપસ્થિતિમાં જી.એચ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે ‘ડ્રાઇવિંગ ડબલ એન્જિન યુવા સંવાદ’ યોજાયો હતો. રેલવે મંત્રી સાથેની મુલાકાત દરમિયાન આણંદના સાંસદ મિતેષ પટેલે સરદાર પટેલ સાહેબની કર્મભુમી તેમજ વિશ્વ વિખ્યાત અમુલ ડેરી આણંદમાં સ્થપાયેલ હોવાથી આણંદ રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલેવે સ્ટેશન બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
સાંસદની રજૂઆતના ગણતરીના કલાકોમાં કેન્દ્રમાંથી મંજૂરી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશના તમામ રેલવે સ્ટેશનને સવલતોબધ્ધ કરવાના વિઝનની રૂપરેખા હેઠળ સમગ્ર દેશમાં 199 રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કાર્ય થવા જઈ રહ્યા છે ત્યારે આણંદના રેલવે સ્ટેશનને પણ તમામ સવલતોથી સમૃદ્ધ બનાવી રિડેવલપમેન્ટનું કામ કરવામાં આવશે.
જે અંગેની લેખિત મંજૂરી આપતા સાંસદ મિતેષ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ રાજ્ય કક્ષાના રેલ્વ મંત્રી દર્શનાબેન જરદોશનો આભાર વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે, 199 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનું કામ ચાલી રહ્યુ છે. તેમાંથી 47 સ્ટેશનો માટેના ટેન્ડર જારી કરી દેવાયા છે. બાકીના સ્ટેશન માટેના માસ્ટર પ્લાનિંગ અને ડિઝાઈનનું કામ ચાલી રહ્યુ છે. 32 સ્ટેશનો પર ઝડપથી કામ થઈ રહ્યુ છે.
રિ-ડેવલપમેન્ટ બાદ આ રેલવે સ્ટેશનો શોપિંગ મોલ જેવા બની જશે. રેલવે ટ્રેકની ઉપરની જગ્યાનો ઉપયોગ કરવામાં આવશે. તમને પાટા પર ગંદકી, તૂટેલી બેન્ચો, કચરો બધે જોવા નહીં મળે. સાંજ પડતાની સાથે જ આજુબાજુ અંધારું નહીં હોય કે રેલ્વે સ્ટેશનની આસપાસ પ્રાણીઓ ફરતા જોવા મળશે નહીં. પાર્સલનો સામાન અહીં-ત્યાં વેરવિખેર નહીં થાય. ટ્રેન પકડવા માટે ન તો લોકોએ અહીં-તહીં દોડવું પડશે, ન તો સ્ટેશન પર સિસ્ટમમાં અરાજકતા જોવા મળશે.
રેલ્વે સ્ટેશનો એકદમ સ્વચ્છ રહેશે. આ પહેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો પણ પુનઃવિકાસ કરવામાં આવ્યો હતો, જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ રેલવે સ્ટેશનને શોપિંગ મોલની તર્જ પર વિકસાવવામાં આવ્યું હતું. રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રેલ્વે સાથે ભાવનાત્મક જોડાણ છે અને સરકારે સુરક્ષા, મુસાફરોની સુવિધા, ટેકનોલોજી સહિત રેલ્વેના દરેક પાસાઓ પર ધ્યાન આપ્યું છે.
રેલવે પરિવહન સેવાઓને વધુ સારી બનાવવાની દિશામાં વધુને વધુ આગળ વધી રહી છે. દરેક સુવિધા મુસાફર સુધી પહોંચે તે માટે સિસ્ટેમેટિક પધ્ધતિથી રેલવેના વિકાસ માટે કામ થઈ રહ્યું છે. આણંદમાં ‘ડ્રાઇવિંગ ડબલ એન્જિન યુવા સંવાદ’ કાર્યક્રમ રેલવે મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં આવનાર સમયમાં ભારતની રૂપરેખા અને વિકાસના મુદ્દે પ્રશ્નોત્તરી કરીને વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.
ઉપસ્થિત વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓએ તથા કેટલાક ફેકલ્ટી સભ્યોએ સ્વૈચ્છિક રીતે આવનારા 100 દિવસની અંદર આણંદ સ્ટેશન માટેની રિડેવલપ ડિઝાઇન તૈયાર કરવાનું બીડું ઝડપ્યું છે. તેમને સાથે લઈને આ કાર્યને પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત તેમણે જણાવ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત ટેકનોલોજી ક્ષેત્રે ટોચના દેશોમાં સ્થાન ધરાવતું થયું છે. આપણે ખૂબ જ ટૂંકાગાળામાં પોતાની 5G સેવા ચાલુ કરીને દુનિયાને આ વાતથી પરિચિત કરી છે.