રાજ્યમાં અવારનવાર વિવિધ શહેરોમાં ખાદ્ય પદાર્થ પર ભેળસેળ વાળા કિસ્સાઓ સામે આવતા હોય છે. તહેવાર આવે એટલે ભેળસેળિયાઓ સક્રિય થઇ જાય. ખિસ્સા ભરવાની લ્હાયમાં વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા સહેજ પણ ખચકાતા નથી. ત્યારે રાજકોટ મનપાના ફૂડ વિભાગે આ તકનો લાભ લઇને ખોરાકમાં ભેળસેળ કરીને લોકોને છેતરનારા સામે લાલ આંખ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજકોટના તરઘડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડા પાડતા 13 લાખનું ભેળસેળયુક્ત ઘી ઝડપાયું છે.
તરઘડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કૃષ્ણા ફેટ એન્ડ પ્રોટીનના કારખાનામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા. મહત્વનું છે કે, 2021માં પણ મનપાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ જ કારખાનામાંથી ભેળસેળયુક્ત ઘી ઝડપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હજુ તો એકાદ મહિના અગાઉ જ રાજકોટ ફૂડ વિભાગ દ્વારા કોઠારિયા રોડ પર શ્રી જય અંબે એન્ટરપ્રાઇઝ પેઢીમાં દરોડા પાડ્યા હતા. ભેળસેળ યુક્ત ઘી વેચતા હોવાની બાતમીને આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.
દિવાબત્તીમાં વપરાશ કરવાના નામે ભેળસેળ યુક્ત ઘીનું વેચાણ થતું હતું. આથી ફૂડ વિભાગ દ્વારા ઘીનું સેમ્પલ લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. રાજકોટ સિટીના પોલીસ સ્ટાફ સાથે ન્યુ સોમનાથ ઇન્ડ. એરીયા, શેરી નં.-૨, કોઠારીયા, રાજકોટ મુકામે આવેલ શ્રી જય અંબે એન્ટરપ્રાઇઝ પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં દિવાબત્તીમાં વપરાશ કરવાના ઓથા હેઠળ ભેળસેળ યુક્ત ઘી તરીકે વેચાણ કરતા હોવાની શંકાના આધારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ સિવાય તાજેતરમાં જ આગામી તહેવારોને ધ્યાને રાખતા સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુની દુકાન અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં મીઠાઈની દુકાનોમાંથી ઘારીના સેમ્પલ લેવાયા હતા. અગાઉ મીઠાઇની 19 દુકાનોમાંથી સેમ્પલ લેવાયા હતા. ચંદી પડવાના દિવસે શહેરમાં મોટા પ્રમાણમાં ઘારીનું વેચાણ થતું હોય છે આથી શહેરમાં બે દિવસ અગાઉ અને મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.