PSIની ભરતી પ્રક્રિયામાં GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવા માંગ
PSI ભરતીના વિવાદ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કરાઇ હતી અરજી
પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો, કોર્ટ સમક્ષ ફરિયાદ સાથે આવ્યા છો તો ન્યાય થશેઃ HC
PSI ભરતી રિઝલ્ટ જાહેર થયા બાદ PSI ની ભરતીમાં GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે આ મામલે PSIની સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મામલે હાઇકોર્ટે અરજદારોને આશ્વાસન આપ્યું. હાઇકોર્ટે અરજદારોને સૂચન કરતા જણાવ્યું કે, ‘પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો. કોર્ટ સમક્ષ તમારી ફરિયાદ સાથે આવ્યા છો તો ન્યાય થશે. 1 જૂન સુધીમાં ફરિયાદ મુદ્દે સરકાર વલણ સ્પષ્ટ કરે. એડવોકેટ જનરલ હાજર ન હોય તો કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરે.
તમને જણાવી દઇએ કે, 4 મુદ્દતથી સરકારે હજી સુધી જવાબ રજૂ ન કરતા કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે. કોર્ટના નિર્ણય સુધી મુખ્ય પરીક્ષા પર રોકની અરજદારોએ માંગ કરી હતી.
GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવા અરજદારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી હોવાની અરજીમાં રજૂઆત કરાઇ હતી. એક્સ આર્મીમેનને પણ ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે અરજી કરવામાં આવી હતી. વધુમાં હવે આ મામલે આગામી તારીખ 1 જૂનના રોજ હાઈકોર્ટમાં સુનાવણી થશે.
ઉલ્લેખનીય છે કે, PSI ભરતી રિઝલ્ટ જાહેર થતાં બાદ PSI ભરતી વિવાદે ચડી છે. ત્યારે PSI ભરતીમાં કેટેગરી અનુસાર ભરતીની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં 100થી વધુ જેટલાં ઉમેદવારોએ સાથે મળીને પરિણામને કોર્ટમાં પડકાર્યું હતું.
GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવા ઉમેદવારોની માંગ છે. તેઓનું કહેવું છે કે ST-SC, OBC, બિનઅનામત વર્ગ ઉમેદવારોની કેટેગરી અનુસાર ભરતીમાં પાસ કરવામાં આવ્યા નથી જેથી આ પદ્ધતિના લીધે 8 હજાર ઉમેદવારને અન્યાય થયો છે. હાલના રિઝલ્ટ પ્રમાણે માત્ર 4300 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે અરજદારોને આશ્વાસન આપ્યું છે.
યુવરાજસિંહ જાડેજાએ પણ ઉમેદવારોનો સપોર્ટ કરતાં કહ્યું છે કે પ્રિલીમનરી પરીક્ષાનું રિઝલ્ટ જે ફાઈનલ પરીક્ષા બાદ જે રીતે પરિણામ બહાર પાડવામાં આવે છે તેવી રીતે પડાયું છે. આથી આ રિઝલ્ટને અમે ચેલેન્જ કરી છે. આ કરવાનું એક જ કારણ છે ઘણા વિદ્યાથીઓ આ પધ્ધતિના રિઝલ્ટથી અન્યાય થયો છે. GPSC પેટર્ન પ્રમાણે માર્કસનું કાઉન્ટીગ થવું જોઈએ. તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પહેલા કરી દેવામાં આવે જેથી ગેરલાયક ઉમેદવારો અહીંથી જ આગળની ભરતી પ્રકિયાથી બાકાત રહે.