ચોમાસું પ્રબળ બનતાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઇંચ નોંધાયો છે.
પાંચ દિવસ સમાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે
ગુજરાતમાં ધીમે-ધીમે હવે ચોમાસું જોર પકડી રહ્યું છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં ચોમાસું પ્રબળ બનતાં ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઇંચ નોંધાયો છે. રાજ્યના વિવિધ વિસ્તારો જેવા કે કપરાડામાં 1.75 ઇંચ, કરજણમાં 1.5 ઇંચ, પલસાણામાં 1.5 ઇંચ, તારાપુરમાં 1 ઇંચ વડિયામાં પોણો ઇંચ, લીંબડીમાં પોણો ઇંચ, લિલિયામાં અડધો ઇંચ, હાંસોટમાં અડધો ઇંચ, બોટાદમાં અડધો ઇંચ તેમજ વઢવાણમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. આ જોઈ હવે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.રાજ્યમાં વરસાદે સુરત જિલ્લામાં તોફાની બેટિંગ કરી છે. સુરત જિલ્લાના કામરેજમાં સવારથી લઇને અત્યાર સુધીમાં 2.5 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.
વધુ વરસાદના કારણે કામરેજની અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે કામરેજ ગામમાંથી પસાર થતા સર્વિસ રોડ પર ગોઠણસમા પાણી ભરાઇ જતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જ્યારે કેટલાંક વાહનો પણ બંધ પડી ગયા હતા. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સમાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં 3 મિમિથી લઈને 65 મિમિ સુધી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં સૌથી વધુ કામરેજમાં 2.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.