મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET 2024 માં 650 થી વધુ ગુણ મેળવવાના બહાને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પાસેથી લાખો રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગના બે મહત્વપૂર્ણ સભ્યો, એજન્ટ વિપુલ તેરૈયા અને રાજકોટની રોયલ એકેડેમીના ડિરેક્ટર રાજેશ પેથાણીની ધરપકડ કરી છે અને તેમને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર લીધા છે. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ અત્યાર સુધીમાં 30 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમના પુત્રને વધુ માર્ક્સ અપાવવાના બહાને તેમની પાસેથી ૩૦ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચે 30 વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી છે અને તેમની પૂછપરછ પૂર્ણ કરી છે. આ વિદ્યાર્થીઓ માત્ર ગુજરાતના જ નહીં, પણ મહારાષ્ટ્ર, બિહાર અને દિલ્હી જેવા રાજ્યોના પણ છે. પોલીસ હવે ગેંગના અન્ય સભ્યો ધવલ સંઘવી, મનજીત જૈન અને પ્રકાશ તેરૈયાની ધરપકડ કરવા માટે વિવિધ જિલ્લાઓમાં દરોડા પાડવાની તૈયારી કરી રહી છે.
આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ કડી, એજન્ટ વિપુલ તેરૈયાએ પોલીસથી બચવા માટે તેના મોબાઇલ ફોનમાંથી બધા ડિજિટલ પુરાવા અને માતાપિતા સાથેની વાતચીત ડિલીટ કરી દીધી છે. આ કારણે પોલીસને મુખ્ય માસ્ટરમાઇન્ડ મનજીત જૈન સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે, પોલીસે ટેકનિકલ નિષ્ણાતોની મદદથી ડિલીટ કરાયેલા ડેટાને રિકવર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે જેથી પુરાવાના આધારે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકાય. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ ગેંગ મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી હતી અને તેમને આર્થિક અને માનસિક રીતે નુકસાન પહોંચાડી રહી હતી.