- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું
- આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ રાજીનામું લેવાયું
- હેડ ક્લાર્ક પેપર લીક બાદ રાજીનામાની માંગ કરાઇ હતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષાના પેપર લીક બાદથી વિવાદમાં આવેલ અસિત વોરાએ રાજીનામું આપ્યું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ GSSSBના ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી. ત્યારે આ પેપરકાંડના બે મહિના બાદ અસિત વોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું છે.
![Asit Vora Resignation](https://www.mukhyasamacharnews.com/wp-content/uploads/2022/02/1640237701_bd9387287afd1bcaa5d1-300x172.jpg)
અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી જવા પામી હતી. જે બાદ અસિત વોરાની હકાલપટ્ટી કરવાની માંગ ઉઠી હતી. રાજ્યભરમાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બીજી તરફ સરકાર અસિત વોરાને છોવરી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.
![Asit Vora Resignation](https://www.mukhyasamacharnews.com/wp-content/uploads/2022/02/asit-vora_0-300x169.jpg)
કોરોનાને કારણે સરકારી નોકરીની ભરતીમાં પણ વિલંબ થયો હતો. હેડ ક્લાર્કની 186 જગ્યા માટે યોજાયેલી પરીક્ષામાં રાજ્યભરનાં 6 શહેરમાં 782 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં 88 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જે અગાઉ કોરોનાને કારણે મોકૂફ રખાઈ હતી. પરીક્ષા માટે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યાં હતાં.