તાજેતરમાં ગુજરાતના ખેડાના ઉંઢેલા ગામમાં ગરબા રમતી વેળાએ કોઇ એક સમુદાયના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. જેના લીધે રાજ્યના વાતાવરણમાં ભારે તંગદિલી સર્જાઇ હતી. ત્યારે હવે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબામાં પથ્થરમારા મામલે નિવેદન આપતા કહ્યું કે, ‘આજકાલ માનવ અધિકાર વાળા બહુ નીકળ્યા છે. પથ્થર મારનાર માટે જ કેમ માનવ અધિકારની વાત થાય છે? શું માનવતા ફકત પથ્થર મારવાવાળા પર હોય? બધા ગરબા રમ્યા પણ કોઈને તકલીફ પડી નહીં. શું આપણે આપણા ગામ અને ચોકમાં ગરબા ન રમી શકીએ? પથ્થર મારવાવાળાઓનો કોઈ ધર્મ ન હોય.
પથ્થર મારવાવાળા લોકોને માનવ અધિકાર હોય? તેનો જવાબ આપવાનો સમય આવી ગયો છે.’ ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ અગાઉ જ રાજ્યના ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં રાત્રીના ગરબા દરમ્યાન કોઇ એક ટોળાંએ એકાએક પથ્થરમારો કર્યો હતો. જેમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
આ ઘટના બાદ ગામમાં ‘ભારેલા અગ્નિ’ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. આથી, આખુંય ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. આ ઘટનામાં પોલીસે 43 લોકો વિરુદ્ધ નામ જોગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે 10થી 11 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
તદુપરાંત આ ઘટના બાદ પોલીસે આરોપીઓને ગામમાં લાવીને એક બાદ એકને થાંભલા સાથે બાંધીને તેઓની જાહેરમાં સરભરા કરી હતી. મહત્વનું છે કે, પોલીસની આ કાર્યવાહી જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને ગભરાયેલા આરોપીઓ હાથ જોડીને માફી માંગી રહ્યાં હતા.
ત્યાં એકત્રિત થયેલા લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જય એવા નારા લગાવીને પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી હતી. ત્યારે હવે પથ્થરમારાની આ ઘટનાને લઇને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.