G20ની ઇવેન્ટ્સનું આયોજન થશે ગુજરાતમાં શરુ
અનુભવ ધરાવતા અધિકારીઓને કો-ઓર્ડિનેટર અને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવશે
G20ના દેશો વૈશ્વિક જીડીપીમાં 85 ટકા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં 75 ટકા હિસ્સો ધરાવે છે.
મુખ્ય સચિવ પંકજ કુમારની આગેવાની હેઠળના ગુજરાતના વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ વિદેશ મંત્રાલયના અધિકારીઓને પણ મળ્યા હતા. આ બેઠકમાં ગુજરાતની ટીમને 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધીની G20 ઇવેન્ટ્સના આયોજનમાં ભારત સરકારની ભૂમિકા વિશે માહિતગાર કરવામાં આવી હતી. ત્યારબાદ આ બેઠક ગુજરાતમાં G20 બેઠકોનું આયોજન કરવા માટે વિદેશ મંત્રાલય અને G20 સચિવાલય વચ્ચે સંકલન સાધવા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓની ટીમ બનાવવાનો નિર્દેશ CS દ્વારા અપાયો હતો.રાજ્યને G20ની લીડર્સ કોન્ફરન્સ અથવા મંત્રી કક્ષાની કોન્ફરન્સ જેવી મુખ્ય બેઠકોનું આયોજન કરવાની તક મળી શકે છે. રાજ્ય સરકારે G20 સંબંધિત તમામ કાર્યક્રમો માટે G20 સચિવાલય અને વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધવા ઉદ્યોગો અને ખાણ વિભાગને નોડલ એજન્સી તરીકે રાખવાનું સૂચન પણ કર્યું છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)ના આયોજનનો બહોળો અનુભવ ધરાવતા અધિકારીઓને કો-ઓર્ડિનેટર અને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ ટીમો G20 ઇવેન્ટ્સના આયોજન માટે લોજિસ્ટિક્સ સહિતના તમામ પાસાઓ પર ધ્યાન આપશે.અહીં નોંધનીય છે કે, ભારત 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી G20 ગ્લોબલ ફોરમનું પ્રમુખપદ સંભાળશે. G20માં વિશ્વના મુખ્ય વિકસિત અને વિકાસશીલ દેશોનો સમાવેશ થાય છે. G20ના દેશો વૈશ્વિક જીડીપીમાં 85 ટકા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં 75 ટકા હિસ્સો ધરાવે છે. જેથી G20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટેના મુખ્ય મંચ સમાન છે.