ભારે વરસાદને લઈને ક્યાંય ખુશી તો કયાક ગમ જેવો માહોલ
એક મીની ટ્રેકટર પાણીના પ્રવાહમાં તણાયું
વરસાદને પગલે ગામમાંથી પસાર થતી નોલી નદી ગાંડીતૂર બની
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેહુલિયો મન મૂકીને હેત વરસાવી રહ્યો છે. જેને લઈને જૂનાગઢમા ધીંગી મેઘમહેર થઇ રહી છે. ભારે વરસાદને લઈને ક્યાંય ખુશી તો કયાક ગમ જેવો માહોલ સર્જાયો હતો. કેશોદના પ્રાસલી ગામે પુરમાં ટ્રેકટર તણાયું હતું જ્યારે આરેણા ગામમાં વરસાદી પાણી ભરાયા હતા, વધુમાં વિલીંગ્ડન ડેમમાં નવા નીરની આવક થતા ડેમ ઓવરફ્લો થયો હતી અને ઘોડા પાઈટ નદીમાં વરસાદને લઈને ઘોડાપૂર આવ્યું હતું. તો ભારે વરસાદને લઇને ગામડાઓમાં વીજળી વેરણ થઇ હતી. જેને લઈને લોકો ઉકળાટમાં અકળાયા હતા.
માંગરોળમાં આજે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ અવિરત રહેતા 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. એટલું જ નહી માંગરોળના કુકસ્વાડા ગામે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા જેથી ઘરવખરી પાણીમાં ગરકાવ થઇ હતી. આ મામલે લોકોએ નગરપાલિકાની બેદરકારીથી ઘરમાં પાણી ભરાયાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ ઘરને સમાંતર રસ્તાઓ બનાવતા ઘરમાં પાણી ઘૂસ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતા. ઉપરાંત રસ્તાઓની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો હતો.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં મોટા પાયે વરસાદને લઈને પ્રાસલી ગામે નદીમાં પૂર આવ્યું હતું. નદીમાં પૂર આવતા કોઝ-વે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઇ રહ્યો હતો. જે વેળાએ પસાર થતાં એક મીની ટ્રેકટર પાણીના પ્રવાહમાં તણાયું હતું. આ દરમિયાન ટ્રેકટરચાલકે પરિસ્થિતિ પારખી સમય સૂચકતા વાપરી અને ટ્રેકટરમાથી કૂદી જતા તેનો બચાવ થયો હતો. નોંધનિય છે કે, ખેડૂત વાડીએથી ઘરે પરત આવતો હતો તે સમયે આ દુર્ઘટના ઘટી હતી જે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે.
વધુમાં ભારે વરસાદને લઈને જૂનાગઢના કરેજ અને નગીચાણા ગામે ઘોડા પાઈટ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. પુરના કારણે ગામ સંપર્ક વિહોણું પણ બન્યું હતું. ગામ બેટમાં ફેરવાતા ખેતરે કામ કરવા ગયેલા લોકો પણ ફસાયા હતા.વધુમાં શહેરના તળાવ દરવાજા પાસે વીજ સબસ્ટેશનામાં ધડાકા થયા હતા. જાહેર રસ્તા ઉપર ધડાકા થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તથા માળીયા હાટીનામાં સવારથી વરસાદ ખાબકતાં માળીયા હાટીનાની મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીમાં પાણીની આવકથી લોકો ખુશી જોવા મળી હતી.
માંગરોળ તાલુકામાં પણ મેઘમહેર જોવા મળી હતી. આરેણા ગામમાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદને પગલે ગામમાંથી પસાર થતી નોલી નદી ગાંડીતૂર બની હતી. ઉપરાંત મૂશળધાર વરસાદથી આરેણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વધુમાં જૂનાગઢ શહેરને પાણી પૂરૂં પડતા વિલીંગ્ડન ડેમમાં પણ નવા નીરની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એટલું જ નહી ડેમનો કુદરતી નજારો માણવા લોકો ડેમ પર ઉમટી પડ્યા હતા. નોંધનિય છે કે, છેલ્લા 3 દિવસથી જૂનાગઢ જિલ્લા અને ગિરનારમાં વરસાદ પડતો હોવાથી જૂનાગઢની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે.