- મહારાષ્ટ્રમાં કાર પુલ પરથી નદીમાં ખાબકી
- મેડિકલના વિદ્યાર્થીઓ જન્મદિન ઊજવીને પરત આવી રહ્યા હતા
- ભાજપના ધારાસભ્યના પુત્ર સહિત 7નાં મોત
મહારાષ્ટ્રના વર્ધામાં સોમવારે રાતે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો, જેમાં મેડિકલના 7 વિદ્યાર્થીનાં મોત થયાં હતાં. મૃતકમાં ભાજપના ધારાસભ્ય વિજય રહાંગદાલેના પુત્ર આવિષ્કાર રહાંગદાલેનો સમાવેશ થાય છે. દુર્ઘટના સેલસુરા પાસે એક પુલ પર બની હતી. સાતેય વિદ્યાર્થી જમીને પરત ફરી રહ્યા હતા. પુલ પર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાર પુલના એક ભાગને તોડીને સીધી નદીમાં ખાબકી હતી.
વર્ધાના એસપી પ્રશાંત હોલ્કરે જણાવ્યું હતું કે અકસ્માત અંગે સ્થાનિક લોકોએ મોડી રાતે જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. તમામ મૃતકોની ઉંમર 25થી 35 વર્ષની વચ્ચે છે. તમામ મૃતકો સાંગવી મેઘે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હતા. મરનારા તમામ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હતા. હોસ્ટેલમાં રોજ રાતે 10 વાગ્યે હાજરી પુરાય છે. આ લોકો હોસ્ટલેમાં ન હોવાથી પરિવારજનોને જાણ કરાઈ હતી. એક પરિવારના સભ્યએ વોર્ડનને જણાવ્યું હતું કે તેઓ જન્મદિવસની પાર્ટીમાં ગયા છે. મોડી રાત સુધી પરત ન આવતાં સિનિયર્સ પણ પરેશાન હતા. અંતેસ વિદ્યાર્થીઓનાં મોતના સમાચાર મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના સેલસુરા પાસે બનેલી દુર્ઘટનાથી હું દુ:ખી છું. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદના પરિવારજનો સાથે છે. કેન્દ્રએ તમામ મૃતકોનાં પરિવારજનોને 2-2 લાખની સહાય આપશે. એક દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં પુણે-અહમદનગર રોડ પર થયેલા અકસ્માતમાં 5 લોકોનાં મોત થયાં હતાં. એક બેકાબૂ ટ્રકે બે મોટરલાઈકલ અને એક કારને ટક્કર મારી હતી.