માર્કેટ યાર્ડને આમ તો લોકો માત્ર જણસીઓની હરાજી માટે જ જાણતા હોય છે. પરંતુ હવે યાર્ડની છબી બદલાય તેવી શક્યાતાઓ ઊભી થઈ છે. રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા હવે ઘઉંનું વેચાણ પણ કરવામાં આવશે. યાર્ડ ધરતી પુત્રના નામે બ્રાન્ડ બનાવી છે. જેના થકી તે ઘઉંનું વેચાણ કરશે. યાર્ડમા પ્રીમિયમ ક્વોલિટીના ઘઉંનું વેચાણ સસ્તા દરે કરશે. ઉલ્લેખનીય છે કે, માર્કેટ યાર્ડમાં આજે લસણ, ધાણા અને જીરું સહિતના પાકની આવક થઈ હતી.
રાજકોટ માર્કેટિંગ યાર્ડના યુવા ચેરમેન જયેશભાઈ બોઘરાના માર્ગદર્શન હેઠળ યાર્ડ દ્વારા વ્યાજબી ભાવમાં ઘઉંનું વેચાણ કરવામાં આવશે. માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન વસંતભાઈ ગઢિયા, ડીરેક્ટર, સેક્રેટરી બી.આર.તેજાણી સહિતના યાર્ડ મેમ્બર્સના માર્ગદર્શન હેઠળ ઘઉંનું વેચાણ કરવામાં આવશે. માર્કેટિંગ યાર્ડ બેડી રાજકોટ આવક ગેટ પાસેના ભોજનાલયની બાજુમાં વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યો છે. અહીં 680 રૂપિયા મણના ભાવે વેચાણ થઈ રહ્યું છે.
ધાણા-જીરુંની આવક
રાજકોટ માર્કેટ યાર્ડમાં ધાણાની 1611 ક્વિન્ટલ આવક થઈ હતી. ધાણાનો ભાવ એક મણનો ખેડૂતોને 1250થી 1840 રૂપિયા મળ્યા હતા. જ્યારે જીરુંની 780 ક્વિન્ટલ આવક થઈ હતી. જીરુંનો એક મણનો ભાવ ખેડૂતોને 3,650 થી 4,575 રૂપિયા મળ્યા હતા. લસણની યાર્ડમાં 1200 ક્વિન્ટલ આવક થઈ હતી. લસણના ખેડૂતોને 1250થી 2775 રૂપિયા ભાવ મળ્યા હતા.
લાલ સુકા મરચાની આવક
માર્કેટ યાર્ડમાં લાલ સુકા મરચાની આવક થઈ હતી. યાર્ડમાં આજે લાલ સુકા મરચાની 520 ક્વિન્ટલ આવક થઈ છે. મરચાના ખેડૂતોને 1300 થી 3800 રૂપિયા ભાવ મળ્યો હતો.
રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની આવક
રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની 154 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 300થી 500 રૂપિયા ભાવ મળ્યા હતા.
બટાકા-લીંબુની આવક
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 3840 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 330થી 570 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2000થી 2600 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 286 ક્વિન્ટલ થઈ હતી.