Gujarat Weather News ગુજરાતમાં ઉનાળો બરોબર જામ્યો છે.
હાલ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે.
જો કે હવામાન વિભાગે આ સાથે એ પણ આગાહી કરી છે કે આ ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થશે અને આગામી 10 અને 11 એપ્રિલે રાજ્યમાં વરસાદ પડશે.
વિભાગે આગાહી મુજબ તારીખ 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં વરસાદ પડશે અને તારીખ 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદ પડશે.
હવામાન વિભાગે આ 2 દિવસ વરસાદની આગાહી કરતા કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ઉનાળામાં સૌથી મોટી સિઝન હોય છે ફળોના રાજા કહેવાતા કેરીની. ઉનાળાની શરૂઆતથી જ કેરીઓ આવવાની શરૂ થઇ જાય છે. એવામાં કમોસમી વરસાદ કેરીનો પાક ખરાબ કરી શકે છે. જેથી ખેડૂતોને નુકસાનીનો ડર સતાવી રહ્યો છે.