દેશભરમાં ચાલી રહેલી ગરમીના પ્રકોપ વચ્ચે IMDએ એક રાહતના સમાચાર આપ્યા છે, જેનું કહેવું છે કે આગામી 5 દિવસ દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ રહેવાની સંભાવના છે. અગાઉ પણ IMDએ આ અંગે અનુમાન જારી કર્યું હતું.
સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને આવે છે, પરંતુ IMD કહે છે કે આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળમાં આવી શકે છે. IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે તે વહેલું નથી, તે સામાન્ય તારીખની આસપાસ છે, કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે.
IMD એ અગાઉ દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી છે જે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે.
‘રેમલ’ નબળી પડી રહી છે
ગંભીર ચક્રવાતી તોફાન ‘રેમાલ’ના આગમન પછી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાઈ રહ્યા છે.
IMD અનુસાર, દરિયાકાંઠાના બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળ પર ચક્રવાતી તોફાન રેમલ છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે અને આજે તે નબળું પડવાની શક્યતા છે.
ઉત્તર ભારતમાં ઉનાળો ચાલુ રહેશે
ઉત્તર ભારતમાં ઘણા દિવસો સુધી ગરમીનું મોજુ યથાવત રહેશે. IMDની આગાહી અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઉત્તરીય ભાગોમાં આકરી ગરમી પડશે.