Lok sabha election 2024 : પોલીસ કર્મચારીઓ સહિત 40 ચૂંટણી અધિકારીઓની પ્રથમ બેચને મતદાન માટે અરુણાચલ પ્રદેશના ક્રા દાદી જિલ્લામાં ચાર દૂરના મતદાન મથકો પર એરલિફ્ટ કરવામાં આવી છે. અહીં 19 એપ્રિલે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાવાની છે.
સોમવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે ચીનની સરહદે આવેલા પીપ-સોરાંગ સર્કલના રિમોટ પોલિંગ સ્ટેશનો પર EVM અને VVPAT સાથે મતદાન અધિકારીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. જિલ્લાના એડીસી હેડક્વાર્ટર તાલી ખાતે રોકાયા બાદ આ અધિકારીઓ પગપાળા કૂચ કરીને પીપ-સોરંગ સર્કલ સુધી પહોંચશે.
મતદાન કાર્યકર્તાઓ હેલિકોપ્ટર દ્વારા બસ્તર પહોંચ્યા
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં, નક્સલ પ્રભાવિત બસ્તર બેઠક માટે કડક સુરક્ષા વચ્ચે મંગળવારે કેટલાક મતદાન કર્મચારીઓને કેટલાક હેલિકોપ્ટર દ્વારા મોકલવામાં આવ્યા હતા. આ બેઠક પર પણ 19 એપ્રિલે મતદાન થશે. બસ્તર લોકસભા મતવિસ્તારના દક્ષિણ ભાગમાં આવેલા બંને જિલ્લામાં ચૂંટણી દરમિયાન સુરક્ષા દળો પર ભૂતકાળમાં નક્સલવાદી હુમલાની અનેક ઘટનાઓ બની છે.
સુરજેવાલા પર ચૂંટણી પ્રચારમાં 48 કલાકનો પ્રતિબંધ
ચૂંટણી પંચે કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાને મથુરાના સાંસદ અને ભાજપના ઉમેદવાર હેમા માલિની સામે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સખત ઠપકો આપ્યો છે. આ ઉપરાંત તેમના ચૂંટણી પ્રચાર પર પણ 48 કલાક માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મંગળવારે સાંજે 6 વાગ્યાથી લાગુ થઈ ગયો છે. આ લોકસભા ચૂંટણીમાં કોઈ નેતા સામે આ પ્રકારની આ પહેલી કાર્યવાહી છે. ચૂંટણી પંચે ગત મંગળવારે સુરજેવાલાને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આના પર તેમણે જવાબ આપ્યો હતો કે ભાજપ જે વીડિયો ટાંકી રહી છે તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. પંચે તેમની દલીલ ફગાવી દીધી હતી. પ્રતિબંધ બાદ સુરજેવાલા ન તો કોઈ જાહેર સભા, રેલી કે સરઘસમાં ભાગ લઈ શકશે અને ન તો મીડિયાને ઈન્ટરવ્યુ આપી શકશે.