ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ એટલે કે ASI આજે ઉત્તર પ્રદેશના સંભલની મુલાકાત લેશે. ASIની ટીમ શિવ મંદિર અને ત્યાંથી મળી આવેલા કૂવામાં જે ખોદકામ ચાલી રહી છે તેનું સર્વે કરશે. આ સર્વે દ્વારા ASI એ જાણવાનો પ્રયાસ કરશે કે આ મંદિર અને કૂવો કેટલો જૂનો છે. ખગ્ગુસરાય વિસ્તારમાં પ્રાચીન કાર્તિકેશ્વર મહાદેવ મંદિરને 46 વર્ષ બાદ ખોલવામાં આવ્યું હતું. ASIની ટીમ આ મંદિર પાસે સ્થિત કુવા અને મૂર્તિઓની કાર્બન ડેટિંગ માટે સંભલ પહોંચી રહી છે.
ASI ટીમના આગમનને લઈને જિલ્લા વહીવટીતંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે. અહીં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ મંદિર અને કૂવો કઈ સદીનો છે અને તેનું મહત્વ શું છે તેની તપાસ કરીને ASI તપાસ કરવાનો પ્રયાસ કરશે. ASIના 4 સભ્યોની ટીમ મંદિર અને કૂવાનું સર્વે કરશે.
તમને જણાવી દઈએ કે ભસ્મ શંકર મંદિરના કુવામાંથી ત્રણ ખંડિત મૂર્તિઓ મળી આવી છે, જે 46 વર્ષ સુધી બંધ રહ્યા બાદ ગયા અઠવાડિયે ખોલવામાં આવી હતી. શ્રી કાર્તિક મહાદેવ મંદિર (ભસ્મ શંકર મંદિર) 13 ડિસેમ્બરે ફરીથી ખોલવામાં આવ્યું હતું કારણ કે અધિકારીઓએ કહ્યું હતું કે તેમને અતિક્રમણ વિરોધી કામગીરી દરમિયાન માળખું મળ્યું હતું. મંદિરમાં ભગવાન હનુમાન અને શિવલિંગની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. તે 1978 થી બંધ હતું. મંદિરની નજીક એક કૂવો પણ છે.
કૂવામાંથી તૂટેલી મૂર્તિઓ મળી
પ્રશાસન દ્વારા 20 ફૂટ બાદ મંદિર પાસે કુવો ખોદવાનું કામ બંધ કરવામાં આવ્યું હતું. કૂવામાંથી અનેક તૂટેલી મૂર્તિઓ બહાર આવી રહી હતી. જેને જોતા વહીવટી તંત્ર દ્વારા પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આ પછી હવે ASIની ટીમ આજે શિવ મંદિર પહોંચશે. માહિતી અનુસાર, ASIની ટીમમાં ઉત્ખનન અને સંશોધન અધિકારીઓ, સહાયક પુરાતત્વ અધિકારીઓ અને સર્વેયર સામેલ હશે.
સર્વે દરમિયાન હિંસા થઈ હતી
આ મંદિર શાહી જામા મસ્જિદથી માત્ર એક કિલોમીટર દૂર ખગ્ગુ સરાઈ વિસ્તારમાં આવેલું છે. આ મસ્જિદમાં 24 નવેમ્બરે કોર્ટના આદેશ પર કરવામાં આવેલા સર્વે દરમિયાન વિરોધને કારણે હિંસા થઈ હતી. જિલ્લા પ્રશાસને કુવા અને મંદિરની ‘કાર્બન ડેટિંગ’ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને પત્ર લખ્યો હતો. ‘કાર્બન ડેટિંગ’ એ પ્રાચીન સ્થળો પરથી મળેલી પુરાતત્વીય કલાકૃતિઓની ઉંમર નક્કી કરવા માટેની તકનીક છે. મંદિરની ચોવીસ કલાક સુરક્ષા કરવામાં આવી રહી છે.