દિલ્હી દારૂ કૌભાંડમાં CBI આજે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે. સિસોદિયા CBI ઓફિસ પહેલા આમ આદમી પાર્ટીની ઓફિસ જશે અને એ પહેલા એમને રાજઘાટ પર બાપુને નમન કર્યા હતા. જણાવી દઈએ કે પૂછપરછ માટે ઘરની બહાર આવ્યા બાદ સિસોદિયાની પત્નીએ એમને તિલક લગાવ્યું હતું અને માતાએ પટકા પહેરાવીને આશીર્વાદ આપ્યા હતા. સિસોદિયા ખુલ્લી કારમાં લાવ લશ્કર સાથે નીકળ્યા હતા અને આ સાથે જ શહાદત ગીતો પણ વાગી રહ્યા હતા. આ જોઈને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ રેલી નીકળી હોય સાથે જ આ સમયે સિસોદિયા કહ્યું હતું કે, ‘ હું ધરપકડની તૈયારી કરીને જાઉં છું અને બલિદાન માટે પણ તૈયાર છું.
જણાવી દઈએ કે હોબાળાની આશંકાને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સિસોદિયાના ઘર અને CBI ઓફિસની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. સિસોદિયા સોમવારે કહ્યું હતું કે, ‘ ખોટો કેસ બનાવીને મારી ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. હું ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જવાનો હતો. આ લોકો ગુજરાતમાં ખરાબ રીતે હારી રહ્યા છે અને એમનો ઇરાદો મને ગુજરાત જવાથી રોકવાનો છે.
મેં ગુજરાતના લોકોને કહ્યું હતું કે ત્યાં પણ અમે બાળકો માટે દિલ્હી જેવી શાનદાર શાળાઓ બનાવીશું. પણ આ લોકો નથી ઇચ્છતા કે ત્યાં શાળાઓ બને. ગુજરાતના લોકો ભણે અને તરક્કી કરે. મારી સામે ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો અને મારા ઘરે દરોડા પાડવામાં આવ્યા પણ કઈં ન મળ્યું. બેંક લોકર જોયા પણ કંઈ ન મળ્યું. ગામડે જઈને બધી તપાસ કરી પણ કંઈ ન મળ્યું. ‘ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘મનીષના ઘરે દરોડા પાડયા જેમાં કંઈ મળ્યું નથી, બેંક લોકરમાં કંઈ મળ્યું નથી.
એમની સામે દાખલ કરવામાં આવેલ બધા કેસ ખોટા છે. એમને ચૂંટણી પ્રચાર માટે ગુજરાત જવાનું હતું. એમને રોકવા માટે એમની ધરપકડ કરી રહ્યા છે. પણ ચૂંટણી પ્રચાર અટકશે નહીં. ગુજરાતનો દરેક વ્યક્તિ આજે ‘AAP’ નો પ્રચાર કરી રહ્યો છે. કેજરીવાલે રવિવારે સિસોદિયાની તુલના ભગત સિંહ સાથે કરી હતી. એક ટ્વીટમાં કેજરીવાલે કહ્યું હતું કે, “જેલના સળિયા અને ફાંસી ભગત સિંહના બુલંદ ઈરાદાઓને રોકી શક્ય નહતા. આ આઝાદીની આ બીજી લડાઈ છે.’ જો કે કોંગ્રેસે આ ટ્વિટને શહીદ ભગતસિંહનું અપમાન ગણાવ્યું હતું.