IPL 2025 ના એલિમિનેટરમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવ્યું. આ સાથે, ગુજરાતની ટીમ IPL 2025 માંથી બહાર થઈ ગઈ છે અને તેનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. હવે મુંબઈ ઈન્ડિયન્સ ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ સામે ટકરાશે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 228 રન બનાવ્યા, જેના જવાબમાં ગુજરાતની ટીમ ફક્ત 208 રન જ બનાવી શકી.
સાઈ સુદર્શને જોરદાર ઇનિંગ રમી
ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી કારણ કે શુભમન ગિલ પહેલી જ ઓવરમાં આઉટ થઈને પેવેલિયન પાછો ફર્યો. આ પછી, કુસલ મેન્ડિસ પણ વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો નહીં અને 20 રન બનાવીને આઉટ થયો. મિશેલ સેન્ટનરના બોલ પર શોટ રમતી વખતે તે હિટ વિકેટ પર ઉતર્યો હતો. બે વિકેટ ગુમાવ્યા બાદ, સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરે ત્રીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી.
જસપ્રીત બુમરાહે સુંદરને યોર્કરથી આઉટ કરીને ભાગીદારી તોડી નાખી. પરંતુ સાઈ સુદર્શન ક્રીઝના એક છેડે મજબૂત રીતે ઉભા રહ્યા અને 49 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. તે આઉટ થતાં જ ગુજરાતનો દાવ તૂટી ગયો. શેરફેન રૂધરફોર્ડે ૧૫ બોલમાં ચાર ચોગ્ગા સાથે ૨૪ રન બનાવ્યા.
ગુજરાત ટાઇટન્સને છેલ્લી બે ઓવરમાં જીત માટે 36 રનની જરૂર હતી, પરંતુ ટીમ ફક્ત 15 રન જ બનાવી શકી. રાહુલ તેવતિયાએ ૧૬ રન અને શાહરૂખ ખાને ૧૩ રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી. તેણે ચાર ઓવરમાં 27 રન આપીને એક વિકેટ લીધી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટે બે વિકેટ લીધી.
રોહિત શર્માએ અડધી સદી ફટકારી
મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ ઇનિંગની શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી. રોહિત શર્મા (૮૧ રન) અને જોની બેયરસ્ટો (૪૭ રન) એ પ્રભાવશાળી બેટિંગનું પ્રદર્શન કર્યું. આ ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે ૮૪ રનની ભાગીદારી કરી અને મુંબઈને મજબૂત શરૂઆત અપાવી. સૂર્યકુમાર યાદવે ૩૩ રનની ઇનિંગ રમી. અંતે, હાર્દિક પંડ્યાએ 9 બોલમાં 3 છગ્ગા સહિત 22 રનની ઝડપી ઇનિંગ રમી. આ ખેલાડીઓના કારણે જ મુંબઈની ટીમ 228 રન બનાવી શકી. ગુજરાત ટાઇટન્સના બોલરો સારું પ્રદર્શન કરી શક્યા નહીં અને મોટા ફ્લોપ સાબિત થયા. ટીમ તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા અને સાઈ કિશોરે બે-બે વિકેટ લીધી પરંતુ આ બંને બોલરોએ ઘણા રન પણ આપ્યા.