ભારતની સ્મૃતિ મંધાના શાનદાર ફોર્મમાં છે. તેણે ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં શ્રીલંકા સામે શાનદાર સદી ફટકારી હતી અને 116 રનની ઇનિંગ રમી હતી. તેણે ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે તેને ICC ODI બેટિંગ રેન્કિંગમાં તેના સારા પ્રદર્શનનો ફાયદો મળ્યો છે.
મંધાનાએ ત્રિકોણીય શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું
સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના ICC મહિલા ODI બેટિંગ રેન્કિંગમાં એક સ્થાન ઉપર આવીને બીજા સ્થાને પહોંચી ગઈ છે. તેના 727 રેટિંગ પોઈન્ટ છે. તેની નજર ફરી એકવાર ટોચનું સ્થાન મેળવવા પર છે. છેલ્લી વખત 2019 માં, તે નંબર-1 ના સ્થાન પર પહોંચી હતી. શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં પૂર્ણ થયેલી શ્રેણીમાં તેણીએ પાંચ ઇનિંગ્સમાં 264 રન બનાવ્યા હતા અને શ્રેણીમાં તે બીજા ક્રમની સૌથી સફળ બેટ્સમેન હતી.
લૌરા વોલ્વાર્ડ પ્રથમ નંબરે છે
પ્રથમ ક્રમે દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડ છે. હાલમાં તેના 738 રેટિંગ પોઈન્ટ છે. ભારત અને શ્રીલંકા સામેની ત્રિકોણીય શ્રેણીમાં તે ફક્ત ૮૬ રન જ બનાવી શકી હતી. શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ ટોચ પર પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. ત્રિકોણીય શ્રેણીમાં ૧૩૯ રન બનાવ્યા બાદ તે બે સ્થાન ઉપર આવીને સાતમા સ્થાને પહોંચી ગઈ છે. ભારતની જેમીમાહ રોડ્રિગ્સ (પાંચ સ્થાન ઉપર 15મા સ્થાને) અને દક્ષિણ આફ્રિકાની ક્લો ટ્રાયોન (નવ સ્થાન ઉપર 18મા સ્થાને) એ પણ તેમના રેન્કિંગમાં સુધારો કર્યો છે.
સ્નેહ રાણાને રેન્કિંગમાં ફાયદો થયો
ત્રિકોણીય શ્રેણીની શ્રેષ્ઠ ખેલાડી તરીકે જાહેર થયેલી ભારતીય સ્પિનર સ્નેહા રાણાને બોલરોના રેન્કિંગમાં ફાયદો થયો છે. તેણે ત્રિકોણીય શ્રેણીમાં ૧૪ ની સરેરાશથી ૧૫ વિકેટ લીધી હતી. આ કારણે, તે ચાર સ્થાન ઉપર આવીને ૩૪મા સ્થાને પહોંચી ગઈ છે. હાલમાં તેના 440 રેટિંગ પોઈન્ટ છે. ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન ટોચ પર છે. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર નાદીન ડી ક્લાર્ક એક સ્થાનના ફાયદા સાથે 24મા ક્રમે પહોંચી ગયા છે.